રવિવાર, 14 માર્ચ, 2010

ટચુકડા જોડકણાં

ગામ આખું કે’ છે
એ હસે છે તો
એના ગાલમાં સુંદર મજાના ખાડા પડે છે.
હું પડ્યો પડ્યો ગણું છું,
આ ખાડામાં, મારા સિવાય
બીજા કેટલાં પડે છે ?
**************

એવું પેલ્લી વાર બન્યું
ભૂલી ગયો નામ હું મારું !
એમણે હળવેકથી પૂછ્યું :
“શું છે નામ તમારું ?”
**************

‘ખૂબસૂરતની’ જોડણી લખતાં
કાયમ ભૂલ થઈ જાય છે,
હું શું કરું ?
એ યાદ આવી જાય છે.
**************

જિંદગીને એમણે
રંગીન કાગળ ગણી.
મને છોડ્યો છે
હાંસિયો ગણી.
**************

હું સીધે રસ્તે ચાલ્યો
તો ઈશ્વર મળ્યા
અને સામે ચાલી
જરી ગલીમાં વળ્યો
ત્યાં તો એણે
દોટ કાઢી.
**************

ઊડ્યો પાલવ એમનો,
એમને ક્યાં ખબર છે ?
જઈને સ્પર્શ્યો જેમને, પૂછો
એમના શું ખબર છે.
**************

એવું જરૂરી છે,
આંસુ વહેતાં જ હોય ?
આવો, કારગીલની સરહદ પર,
બરફનાં ચોસલે-ચોસલાં બતાવું !
**************

એકમેકમાં મિક્સ કરો તોય
રિઍકશન ક્યાં આવે છે ?
મારું ને સમસ્યાનું
બ્લડગ્રૂપ એક આવે છે.
**************

હું એ નથી માગતો
કે મને મંઝિલ દે !
સફર દે !
ને એક મજેદાર સાથી દે !

**************

‘Beware of Dog’
બંગલાની બ્હાર
પાટિયું લાગ્યું :
આમાં ‘Dog’ ની જગ્યાએ
‘Dogs’….
હવે કેવું લાગ્યું ?
**************

તમારી આંખમાંથી ટપક્યું
એકાદ ટીપું આંસુ,
હું દોડું તે પહેલાં દોડ્યાં,
મારી આંખમાંથી આંસુ.
**************

હશે કયા જન્મનું લેણું
તે ઉઘરાવવા બેઠા છે,
ઘા કરીને મીઠું
ભભરાવવા બેઠા છે.
**************

આપણો રસ્તો તો એક જ હતો
પણ ડિવાઈડરની એક એક બાજુએ રહ્યાં :
આથી અકસ્માત તો ના થયો,
એક પણ ના થયાં.
**************

મારી આવડી અમથી આંખમાં
હું બેઉને કેમ સમાવું ?
નીંદર કે’ હું અંદર આવું
કવિતા કે’ હું બા’ર ના જાઉં
**************

સૌની
માત્ર પારદર્શક
આંખો તારી,
અપાર-દર્શક !
**************

મને
વહેલો જગાડશો મા.
થોડીક તો જીવવા દો
જિંદગી સપનામાં !
**************

અંધારું પણ મને છેતરી ગયું !
પછી થશે અજવાળું, પહેલાં ના કહ્યું !
**************

ચલો,
સમસ્યામાં સામ્ય
આટલું તો છે !
તને દુ:ખ છે થાકનું
મને દુ:ખનો થાક છે.

**************

આ હોળી "બિચારી" થઈ ગઈ

ક્યારેક શેરી મ્હોલ્લામાં "ઉજવાતી" હતી,
આજે પાર્ટી-પ્લોટમાં "રમાતી" થઈ ગઈ...
આ હોળી "બિચારી" થઈ ગઈ...

ક્યારેક દિયર-ભાભીની વચ્ચે ખૂબ પ્રેમથી "ઉજવાતી" હતી,
આજે બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડમાં "રમાતી" થઈ ગઈ..
આ હોળી "બિચારી" થઈ ગઈ...

ક્યારેક 'ફાગ'રૂપે "ગવાતી" હતી,
આજે ડી.જે.માં "ખોવાઇ" ગઈ..
આ હોળી "બિચારી" થઈ ગઈ...

ક્યારેક ખજુર-ધાણી-ચણા "સેવ-મમરા" સાથે "ખવાતી" હતી ,
આજે "save environment" અને "save water" સાથે "ચવાઈ" ગઈ...
આ હોળી "બિચારી" થઈ ગઈ...

ક્યારેક અબીલ-ગુલાલ- કેશુડે "રંગાતી" હતી ,
આજે "કેમિકલના રંગોમાં "ડઘાઈ" (ડાઘવાળી) ગઈ...
આ હોળી "બિચારી" થઈ ગઈ...

ક્યારેક આગમાં "પ્રગટતી" હતી ,
આજે શબ્દોમાં ગંઠાતી થઈ ગઈ....
આ હોળી "બિચારી" થઈ ગઈ...

ક્યારેક કલમ-ખડિયા વડે ગ્રંથોમાં "વર્ણવાતી"
આજે facebook પર લખાતી થઈ ગઈ....
આ હોળી "બિચારી" થઈ ગઈ...

Holi

જિંદગીએ એમ તો ઘણાં રંગ છાંટ્યા
ને પ્રયત્નો કરી જોયા મને રંગીન બનાવા ના,
ક્યારેક નીલો તો ક્યારેક પીળો,
આસમાની અને ક્યારેક કાળો,
કેસરી ને પછી ક્યારેક લીલો,
જાંબુડી ને શ્વેત પણ ક્યારેક,
પણ તે છાંટ્યો હતો ને એક વાર મુઠ્ઠીભર ગુલાલ!
એ હજી સાચવ્યો છે હોં મેં હૃદયમાં,
હર વર્ષે હોળી આવે થોડો વહાવી દઉં છું રક્તમાં..
કદાચ એટલે જ રહું છું હું ગુલાબી, હમેંશા.

કેટરીનાનો કેફ

ભાઈબંધ સાવ ખોટી ઉમ્મીદ લઇ ને બેઠો’તો
‘કેટરીના ને જ પૈણવું’ એવી જીદ લઇ ને બેઠો’તો.

મેં કીધું, “ભાઈ, નખરા મેલ ને એની હાઈટ તો જો,
હીરો લોકોમાં પણ એના માટે થાય છે ફાઈટ તો જો”

એ કહે કે,’ બોસ મેં વિચારી લીધું એટલે ફેંસલો,
ભલે ને સામે સલમાન, રણબીર ને આ પા હું એકલો’

મેં કહ્યું, “મગજ તો ઠેકાણે છે ને કે Are you Crazy?,
એને બરાબર હિન્દી નથી આવડતું ને તને બરાબર અંગ્રેજી.”

એ કહે ‘લગન તો થવા દે પછી બધું જ સરસ લાગશે,
અરીઠા લાગશે આસવ ને ચા-કોફી ચરસ લાગશે. *

ને પછી તો દરેક પિક્ચરમાં હું અને તારા ભાભી,
ક્યારેક શુટિંગ માટે ન્યુયોર્ક તો ક્યારેક અબુધાબી.

હું બની જઈશ મોટો સુપરસ્ટાર અને પછી
સલમાન, રણબીર ને બતાડીશ એમની ઔકાદ.’

“જલ્દી તૈયાર થા” રસોડે થી એની મમ્મી એ કહ્યું,
“છોકરી જોવા જવાનું છે ને આજે…બોટાદ”

અધૂરા લાગ્યા

ધરતી ને ભીંજવતા પહેલી વાર આજે વરસાદ અધૂરા લાગ્યા,
મંઝીલ પામવાના પહેલી વાર આજે સપના અધૂરા લાગ્યા.

પહોંચું તો કઈ રીતે હું તારા ઘર ના દ્વાર સુધી?
તારી ગલીના આજ રસ્તા મને અધૂરા લાગ્યા.

મળવાનું પણ બસ થયું આપનું આ રીતે,
કે અપના મિલન માટે આજ જનમ અધૂરા લાગ્યા.

સાથ તારો માંગીને પણ હું માંગુ કોની પાસે?
તને માંગવા માટે આજ ભગવાન પણ અધૂરા લાગ્યા.

તારી યાદ માં તડપવું હતું પણ,
મારી અન્ખોના આજ આંશુ મને અધૂરા લાગ્યા.

ઓ ઇશ્વર ભજીએ તને

ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ
ગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ…

હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ
ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ…

પ્રભુ એટલું આપજો, કુટુંબ પોષણ થાય
ભૂખ્યા કોઇ સૂએ નહીં, સાધુ સંત સમાય…

અતિથિ ઝાંખો નવ પડે, આશ્રિત ના દુભાય
જે આવે અમ આંગણે, આશિષ દેતો જાય…

સ્વભાવ એવો આપજો, સૌ ઇચ્છે અમ હિત
શત્રુ ઇચ્છે મિત્રતા, પડોશી ઇચ્છે પ્રીત…

વિચાર વાણી વર્તને, સૌનો પામું પ્રેમ
સગાં સ્નેહી કે શત્રુનું, ઇચ્છું કુશળક્ષેમ…

આસ પાસ આકાશમાં, હૈયામાં આવાસ
ઘાસ ચાસની પાસમાં, વિશ્વપતિ નો વાસ…

ભોંયમાં પેસી ભોંયરે, કરીએ છાની વાત
ઘડીએ માનમાં ઘાટ તે, જાણે જગનો તાત.

ખાલી જગ્યા ખોળીએ, કણી મૂકવા કાજ
ક્યાંયે જગકર્તા વિના, ઠાલુ ના મળે ઠામ…

જોવા આપી આંખડી, સાંભળવાને કાન
જીભ બનાવી બોલવા, ભલું કર્યું ભગવાન…

ઓ ઇશ્વર તું એક છે, સર્જ્યો તે સંસાર
પ્રુથ્વી પાણી પર્વતો, તેં કીધા તૈયાર…

તારા સારા શોભતા, સૂરજ ને વળી સોમ
તે તો સઘળા તે રચ્યા, જબરું તારું જોમ…

અમને આપ્યાં જ્ઞાન ગુણ, તેનો તું દાતાર
બોલે પાપી પ્રાણીઓ, એ તારો ઉપકાર…

કાપ કલેશ કંકાસ ને, કાપ પાપ પરિતાપ
કાપ કુમતિ કરુણા કીજે, કાપ કષ્ટ સુખ આપ…

ઓ ઇશ્વર તમને નમું, માંગુ જોડી હાથ
આપો સારા ગુણ અને, સુખમાં રાખો સાથ…

મન વાણી ને હાથથી, કરીએ સારાં કામ
એવી બુધ્ધિ દો અને, પાળો બાળ તમામ…

ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ
ગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ…

અમે કાગળ લખ્યો તો - મુકેશ જોશી

અમે કાગળ લખ્યો તો પહેલ વહેલો
છાનોછપનો કાગળ લખ્યો તો પહેલો વહેલો.
કસ્તુરી શબ્દોને ચંદનમાં ઘોળ્યા તા
ફાગણીયો મલક્યો જ્યાં પહેલો.

સંબોધન જાણે કે દરિયાના મોજાંઓ,
આવી આવીને જાય તૂટી;
તો સંબોધન છોડીને કાગળ લખ્યો ભલે,
કાગળમાં એક ચીજ ખૂટી.
નામ જાપ કરવાની માળા લઈ બેઠો
ને પહેલો મણકો જ ના ફરેલો.

પહેલાં ફકરાની એ પહેલી લીટી
તો અમે જાણીબુજીને લખી ખાલી,
બીજામાં પગરણ જ્યાં માંડ્યા
તો લજ્જાએ પાંચે આંગળીઓને ઝાલી.
કોરોકટાક મારો કાગળ વહી જાય,
બે એક લાગણીનાં ટીપાં તરસેલો.

ત્રીજામાં એમ થયું લાવ લખી નાખીએ
અહીયાં મજામાં સૌ ઠીક છે;
અંદરથી ચુંટી ખણી કોઈ બોલ્યું કે
સાચું બોલવામાં શું બીક છે?
હોઠ ઉપર હકડેઠઠ ભીડ હતી શબ્દોની
ને ચોકિયાત એક ત્યાં ઉભેલો.

લિખિતંગ લખવાની જગ્યાએ ઓચિંતું
આંખેથી ટપક્યું રે બિંદુ;
પળમાં તો કાગળ પર માય નહીં
એમ જાણે છલકેલો લાગણીનો સિંધુ.
મોગરાનું ફૂલ એક મૂકીને મહેકંતા
શ્વાસ સાથ કાગળ બીડેલો

લાંબી આ સફરમાં

લાંબી આ સફરમાં જીંદગીના ઘણા રૂપ જોયા છે
તમે એકલા શાને રડો છો, સાથી તો અમેય ખોયા છે

આપ કહો છો આમને શું દુઃખ છે, આ તો સદા હસે છે
અરે! આપ શું જાણો આ સ્મિતમા કેટલા દુઃખ વસે છે

મંઝીલ સુધી ના પહોંચ્યા તમે એ વાતથી દુઃખી છો
અરે! ચાલવા મળ્યો રસ્તો તમને, એટલા તો સુખી છો

આપને ફરિયાદ છે કે કોઇને તમારા વિશે સુઝ્યુ નથી
અરે! અમને તો “કેમ છો?” એટલુંય કોઈએ પુછ્યું નથી

જે થયું નથી એનો અફસોસ શાને કરો છો,
આ જીંદગી જીવવા માટે છે, આમ રોજ રોજ શાને મરો છો?

આ દુનિયામા સંપુર્ણ સુખી તો કોઈ નથી
એક આંખ તો બતાવો મને જે ક્યારેય રોઈ નથી.

બસ એટલુંજ કહેવું છે કે જીંદગીની દરેક ક્ષણ દિલથી માણો
નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો.

કોણ કહી શકે કે

કોણ કહી શકે કે અમારા જીવનમા, અમને કોઇ પણ અછત હતી,
સરોવર હતા, મૃગજળ હતા, ને વાદળી હતી, એક તરસ હતી.

એક કિનારે તું હતી ને, બીજે કિનારે હું, વચ્ચે ધસમસતી નદી હતી.
તારે તરવી હતી ને, મારે પણ તરવી હતી, એક ઇશારાની કમી હતી.

સાગર શાંત હતો ને, મારી કસ્તી પણ કિનારાથી બહુ દૂર ન હતી,
સામે જ તુ પણ હતી, ને આ ભવસાગરની કેવી ભુલભૂલામણી હતી.

તારે જવું ન હતુ ને, અમે રોકીશું તેવી છુપી એક આશા પણ હતી,
દેવો હતો મારે પણ સાદ, ને કદાચ શબ્દોની અજબ હડતાલ હતી.

તુ પાસ ન હતી, પણ આસપાસ હતી, ને યાદોની વણજાર પણ હતી.
જાણે આયનાથી મઢેલા, મારા ખાલી ઘરમા, તારી એક તસવીર હતી.

હારવાની નાનમ ન હતી, ને જીતવાની મને આદત પણ ન હતી,
વસંતને મારે જીતવી ન હતી, ને પાનખરને ન જવાની જીદ હતી.

તારા ગયા પછી જીવનમા, મારી પાસે બે જ તો, સારી દોસ્ત હતી,
એક તારી યાદ હતી ને, બીજી આ હવા, તારો અણસાર લાવી હતી.

આમ જુઓ તો.....

આમ જુઓ તો એકલ-દોકલ, આમ જુઓ તો મેળા,
આમ જુઓ તો આગળ-પાછળ, આમ જુઓ તો ભેળા,
આમ જુઓ તો સંત-ધરમના મરમ સુધી પહોંચેલા,
આમ જુઓ તો છીએ મુસાફર, થેલા લૈ નિકળેલા,

બની શક્યા નહી ગુરુ કોઇના, થઇ શક્યા નહી ચેલા,
કેમ ગણિયે તમ્ને છેલ્લા, અને અમને પહેલા,
પણ ભિતરમાં ભગવાન વસે તો બધા દાખલા સહેલા,
આ નથી કોઇની મોનોપોલી, જે પહોંચે તે પહેલા....