બુધવાર, 6 મે, 2009

હે માનવ ! હવે તો સુધર - પ્રેરક શાહ

હવે તો કુદરત પણ થાકી છે હે માનવ તારી ઉપર
નથી રહ્યો ભરોસો હવે એને પણ તારી ઉપર
- હે માનવ ! હવે તો સુધર

બતાવી દીધું છે એની તાકાતનું જરા અમથું થર,
ત્યાં તો આખી દુનિયા જાણે થઈ ગઈ અધ્ધર.

નદીઓ વહેતી બંધ થઈ ગઈ ને ઝરણાં ઈધરથી ઉધર,
આ મોટા મકાનો તૂટયાં, કેટકેટલું રહ્યું અંદર.

કેટકેટલાનાં ઘર ગયાં, કેટકેટલાનું ફર્નિચર,
ગયાં છે સગા-વ્હાલાને ગયા ભાઈબંધ દોસ્તર.

શું કરવાની ટેકનોલોજી, શું કરવાનું કૉમ્પ્યુટર,
એ વગર તો ચાલશે, નહીં ચાલે ઘર વગર.

બોંબ-બંદૂક છરી ચપ્પા તલવાર અને ધારિયા ખંજર,
ઉપાડી આ ઘાતી શસ્ત્રો ન ભોંક તું ખુદની અંદર

નષ્ટ ન કર માનવજાત, નષ્ટ ન કર ગામ-નગર,
આ કામ તો નથી તારું, નથી તું કોઈ જાદુગર

ન કરીશ તું કાર્યો એવા તારી જાતને માની ઈશ્વર,
ઉપર બેઠો જોઈ રહ્યો છે સર્જનહાર પરમેશ્વર.

ભાનમાં આવી જો જરાતું ક્યાં સુધી રહીશ પથ્થર,
તારી અને બધાની જિંદગી થઈ રહી છે બદતર.

ન ભાગ ધનની પાછળ, આમ બની તું જનાવર,
શું લઈને પેદા થયો છે કે લેવાને થાય આટલો તત્પર.

અપાય એટલું આપ, થાય એટલું કર, સૌની કર તું કદર,
ધરા એ તો ધ્રુજી બતાવ્યું, વ્યોમની તું કર ફિકર.

બંધ કર આ કૌભાંડો, અત્યાચાર અને ભષ્ટાચાર,
જીવ જીવનને શાંતિથી, ચાર ઘડી રંગીન સફર.
- હે માનવ ! હવે તો સુધર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો