બુધવાર, 6 મે, 2009

સપનાંનાં સરનામા

પૂછ ના દોસ્ત, “કેમ છે ?” હતું એમનું એમ છે,
ખેંચમ્ ખેંચનું ઠેકાણું, ઘરમાં જેમનું તેમ છે!

મધ્યમવર્ગની હાલતમાં નકરી કશ્મકશ છે,
ક્યાંથી દેખાય હરિયાળી, જમીનમાં ક્યાં કોઈ કસ છે?

શૅરબજારનો જાદુ જોયો, રૂપિયા હતા, હવે કાગળ છે,
ઘર વાળીને સાફ કર્યું, નસીબ બે ડગલાં આગળ છે.

ખર્ચાની તો ચાલ નવાબી, એક વેંત અધ્ધર ચાલે છે!
ફાટે ત્યાંથી સીવું છું, બાકી…………….ચાલે છે!

ઊંટનાં અઢાર વાંકાં, એવી આ સરકાર છે,
વાતવાતમાં વાંકુ પડે, કોને કોની દરકાર છે!

આકસ્મિક કાંઈ આવી પડ્યું તો સમજો મોત આવ્યું છે,
ઘરનાં ગણીને મંદિર, મહાદેવ સૌને ઘેર બોલાવ્યું છે!

તોય સપનાંનાં સરનામાં દોસ્ત ! હજીય એમનાં એમ છે!
તારુંય હવે સંભળાવી દે ! નવાજૂનીમાં કેમ છે?

1 ટિપ્પણી:

  1. Nirav Balani said:
    Wah prerak wah.... kharekhar maja aavi gai.... Duniya na mota bhagna loko na jeevan ni kadvi hakikat raju thai gai aa kavita ma to....

    Irshad Irshad.....ek or ho jaye...

    જવાબ આપોકાઢી નાખો